Thursday, December 25, 2008

નાતાલનો સંદેશ માણસ પરનો ઇશ્વરનો પ્રેમ

ishuદુનિયાભરમાં જાણીતું થયેલું ચલચિત્ર છે ‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’. એ ફિલ્મમાં ઇસુનું પાત્ર ભજવનાર માકર્સ વોન સિડોએ મુખ્ય અભિનેતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે.

આ ફિલ્મમાં બે હજાર વર્ષ પહેલાં ઇઝરાયલના બેથલેહેમ ખાતે એક ગમાણમાં જન્મેલા ઇશ્વર પુત્ર ઇસુની કથા છે. ૧૯૬૫માં બહાર પડેલું એ રંગીન ચલચિત્ર જોતજોતામાં ખૂબ લોકપ્રિય બન્યું હતું અને ઘણા અવોર્ડોજીત્યું છે.વારંવાર જોવી ગમે એવી આ ફિલ્મની વાત ખૂબ જાણીતી છે. બાઈબલના નવા કરારમાં સંત માથ્થી જણાવે છે તેમ, ઇશ્વર પુત્ર ઇસુ બેથલેહેમમાં જન્મ્યા છે, તેમ જાણીને રાજા હેરોદ અને મળતિયાઓ ભય પામ્યા અને બધા યરુશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા.

પૂર્વમાંથી આવેલા પંડિતો (માગી રાજાઓ) પાસેથી યહૂદીઓના નવા જન્મેલા રાજાની વાતથી રાજા હેરોદનો ‘રોષ એકદમ ભભૂકી ઊઠયો, અને તેણે પંડિતો પાસેથી જે સમય ખાતરીપૂર્વક જાણી લીધો હતો તેને આધારે બેથલેહેમ અને તેની આસપાસના પ્રદેશમાંનાં બે વર્ષનાં અને તેથી નાનાં બધાં છોકરાઓનો વધ કરવાનો હુકમ છોડયો’.

રોમન ઇતિહાસ દર્શાવે છે તેમ, નિર્દોષ માસૂમ બાળકોની હત્યા પછી હેરોદ યહૂદિયાના રાજા તરીકે લાંબો સમય ટકી શકયા નહીં. એમના મૃત્યુ પછી તેમનો પુત્ર આર્ખિલાઉસ રાજગાદી પર આવ્યો.

‘ધ ગ્રેટેસ્ટ સ્ટોરી એવર ટોલ્ડ’ની કથા મુજબ યહૂદિયામાં આર્ખિલાઉસ ખૂબ ક્રૂર રીતે યહૂદી લોકો પર રાજય ચલાવતો હતો. એટલે રોમન સત્તાએ રાજા આર્ખિલાઉસને નાથવાનો નિર્ણય કર્યો. રોમન બાદશાહનો એ સંદેશ લઈને એક રોમન સૂબેદાર આર્ખિલાઉસના રાજમહેલ પહોંચ્યો.

રાજા આર્ખિલાઉસ અને રોમન સૂબેદાર રાજમહેલમાં વાતો કરતા હતા ત્યારે તેમને યહૂદી મંદિરમાંથી પ્રાર્થનાના અવાજો અથડાયા. યહૂદી લોકો યરુશાલેમ મંદિરમાં ઇશ્વર પાસે એક મુકિતદાતાને મોકલવાની વિનવણી-પ્રાર્થના કરતા હતા.

ભકતોના અંતરાત્માના આર્તનાદની પ્રાર્થના સાંભળીને રોમન સૂબેદારે રાજા આર્ખિલાઉસને પૂછ્યું કે, ‘આ લોકો કયા મુકિતદાતા માટે પ્રાર્થના કરે છે?’

આર્ખિલાઉસે તરત જ સૂબેદારને કહ્યું કે, ‘કદી નહીં આવનાર એક મુકિતદાતા માટે યહૂદી લોકો વિનવણી-પ્રાર્થના કરે છે.’ સદીઓથી યહૂદી પ્રજા પોતાના મુકિતદાતાની પ્રતીક્ષા કરતી હતી. મુકિતદાતાના આગમનની તૈયારીઓ કરતા હતા, પરંતુ મુકિતદાતાની રાહ જોનાર લોકો વચ્ચે રાજા આર્ખિલાઉસની જેમ ‘મુકિતદાતા કદી નહીં આવે’ એમ માનનાર લોકો પણ હતા.

આર્ખિલાઉસે માન્યું હશે કે પોતાના પિતાએ મુકિતદાતાના જન્મની વાતથી ડરી જઈને બેથલેહેમ અને આસપાસમાં હત્યા કરેલાં બાળકો સાથે, કોઈ મુકિતદાતા જન્મ્યો હોય તો તેનો પણ વધ થઈ ગયો હશે, પરંતુ આર્ખિલાઉસ અને તેના એ સાથીદારો ખોટા પડયા.

ખ્રિસ્તી લોકો માને છે કે, દૈવી યોજનાનો સમય પાકયો ત્યારે ઇશ્વરપુત્ર ઇસુનો જન્મ થયો. સમગ્ર માનવજાત જેની આતુરતાથી પ્રતીક્ષા કરતી હતી તે મુકિતદાતા બાળ ઇસુનો જન્મ યહૂદિયાના બેથલેહેમમાં થયો. શુભસંદેશકાર યોહાનના શબ્દોમાં કહીએ તો, ‘ઇશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો’.

બાળ ઇસુનો જન્મ થયો ત્યારે એનો ઇન્કાર કરનાર રાજા આર્ખિલાઉસ જેવા લોકો વરચે સ્વર્ગ અને ધરતી જ નહીં પણ સમગ્ર બ્રહ્માંડ આનંદથી પુલકિત થયું. સંત લૂકે આપલા ઇસુના જન્મના વૃતાંત મુજબ જયારે સગર્ભા મરિયમ અને એમના પતિ દાવિદના વંશના યોસેફ બાદશાહ ઓગસ્તસે ફરમાવેલી વસ્તીગણતરીમાં પોતાનાં નામ નોધવા માટે યહૂદિયાના નાસરેથ ગામથી સ્વવતન બેથલેહેમ પહોંચ્યાં હતાં. ‘એ દરમિયાન જ તેમની પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો અને તેમણે પોતાના પહેલા ખોળાના પુત્રને જન્મ આપ્યો. બાળકને વસ્ત્રમાં ઢબૂરીને ગમાણમાં સુવાડયો, કારણ કે ઉતારામાં તેમને માટે જગ્યા નહોતી’.

ઇસુનો જન્મ થતાં જ પૃથ્વી પર નાસરેથ પાસે ખુલ્લા મેદાનમાં રાતે પોતનાં ધેટાંની વારા-ફરતા ચોકી કરતા કેટલાક ભરવાડો આગળ અચાનક એક દેવદૂત પ્રગટ થયો અને દૂતે તેમને સંદશ આપ્યો કે ‘ડરશો નહીં, સાંભળો, હું તમને ભારે આનંદના શુભસમાચાર આપવા આવ્યો છું.

આખી પ્રજાને પણ એથી આનંદ આનંદ થઈ રહેશે, આજે દાવિદના નગરમાં મારો મુકિતદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્તી અને પ્રભુ છે. એની એધાણી એ કે, તમે એક બાળકને કપડામાં લપેટીમાં ગમાણમાં સુવાડેલો જોશો’.

બેથલેહેમ ખાતે ગમાણના દ્રશ્ય સાથે આકાશમાં ભરવાડોને સંદેશ આપતા દેવદૂત સાથે એક બીજા દ્રશ્યનું પણ લૂકે વર્ણન કર્યું છે. ‘પલકારામાં એ દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દૂતોનો સમૂહ ઇશ્વરની સ્તુતિ ગાતો નજરે પડયો, પરમધામમાં ઇશ્વરનો મહિમા, અને પૃથ્વી ઉપર ઇશ્વરની પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ!’.

આજે ઇસુના જન્મનાં બે હજાર વર્ષ પછી ખ્રિસ્તી લોકો સમગ્ર દુનિયામાં નાતાલ ઊજવતાં દેવદૂતો જોડે ઇશ્વરની સ્તુતિ ગાય છે અને ભરવાડો સાથે કે અદનામાં અદના લોકો સાથે ભળી જઈને ઇશ્વરપુત્ર ઇસુના જન્મનું રહસ્ય મનથી સંપૂર્ણપણે ગ્રહણ કરવા મથે છે.

એટલે ખ્રિસ્તી ભકતો પોતાના ઘરે કે દેવળમાં બાંધેલા ગમાણ અને એમાં મૂકેલી બાળ ઇસુની મૂર્તિ આગળ ઘૂંટણિયે પડીને બાળ ઇસુને પ્રશ્ન પૂછી શકે છે ‘અદનામાં અદના માણસ તરીકેના તારા જન્મનું રહસ્ય શું છે?’ કે, ‘તું બેથલેહેમના ગમાણમાં જન્મ લઈને મને શો સંદેશ પાઠવે છે?’

હા, ખ્રિસ્તી લોકો માને છે કે સમગ્ર માનવજાત પર -મારા-તમારા જેવા દરેક માનવી પર ઇશ્વરપિતાનો અઢળક પ્રેમ છે અને એ અસીમ પ્રેમને પ્રગટ કરવા માટે જ ઇસુએ માનવ-અવતાર લીધો છે. ગમાણનો બાળ ઇસુ તમારા-મારા માટેના ઇશ્વરપિતાના પ્રેમની ઘોષણા કરે છે.

તો મૂળભૂત પ્રશ્ન એ છે કે, માણસમાત્ર માટેના ઇશ્વરના અગાધ પ્રેમને આપણે ઓળખીએ છીએ? અને ઓળખતા હોઈએ તો તેનો સ્વીકાર કરીએ છીએ?
Father Vargis Paul

No comments:

Post a Comment