Wednesday, December 10, 2008

‘સ્પાર્કલ’માં સુરતનો ૬૦૦ વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ રજૂ કરાશે

સરકાર દ્વારા ૨૬થી ૨૮ ડિસેમ્બર દરમિયાન યોજાનારા જેમ એન્ડ જવેલરી પ્રદર્શન સ્પાર્કલમાં રજૂ થનારા મેગા કલ્ચરલ ઇવેન્ટમાં સુરતના વેપાર અને વાણિજયનો ભવ્ય ઇતિહાસ, સુરતને એક વ્યાપાર કેન્દ્રનો દરજજો અપાવનાર શ્રેષ્ઠીઓ અને રાજનૈતિક પ્રભુત્વ સુરતની સિમાચિહ્ન રૂપ ઐતિહાસકિ ઘટનાઓ સાંપ્રત સમયના સુરત શહેરના વિકાસની તવારીખ, હીરાઉધોગનો વિકાસ, વર્ચસ્વ અને પ્રદાન વગેરે બાબતોને નાટય અને નૃત્ય દ્વારા પ્રદર્શિત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ૫૦ નાટય કલાકારો, ૪૦ નૃત્ય કલાકારો અને ૨૦૦ જેટલા વિધાર્થી કલાકારો તેમની કલા દર્શાવશે. જેમ એન્ડ જવેલરી પ્રદર્શનમાં સહયોગી સંસ્થા તરીકે ભાગ લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચેતન શાહે જણાવ્યું હતું કે સુરતના ભવ્ય ઈતિહાસ અને વેપાર ધંધાનો ચિતાર આંતરરાષ્ટ્રીયસ્તરે સ્થાપિત કરવા માટે કલ્ચર ઇવેન્ટમાં સુરતની દરેક બાબતને આવરી લેવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમનું સંકલન ડેપ્યુટી કલેકટર (પ્રોટોકોલ) રાજેન્દ્રભાઈ ગઢવી કરી રહ્યા છે. લેખન અને નિર્દેશન કપિલદેવ શુકલ, વિઝ્યુઅલ ડિરેકટર મનીષ બારડિયા અને સંગીત મેહુલ સુરતીનું હશે.

આ કાર્યક્રમમાં શહેરના ઉદ્ભવની ગાથા, તાપી પ્રદેશના પ્રાગેતિહાસકિ ઉલ્લેખો, ઇ.સ. ૧૫૧૧માં થઈ ગયેલા સુરતના આધ વ્યાપરીશાસક ગોપી મલિકની ગાથા, વ્યાપાર વિકાસ ખાતેનું પ્રદાન ઇ.સ. ૧૫૨૯ના વ્યાપારીશાસક ખ્વાજા સફર સલમાનીનું સુરતને લશ્કરીમથક બનાવવા પ્રદાન, ૧૫૪૧માં સુરત કિલ્લાનું નિર્માણ, ૧૭મી સદીમાં સુરતનું વ્યુહાત્મક બંદર, આર્થિક રાજધાની, કેન્દ્ર સાથે સીધું જોડાણ, લશ્કરી થાણું કિલ્લો, વિદેશ વ્યાપાર, તે સમયના આધ વેપારીઓ વિરજી વોરા , હરિ વૈશ્ય, મોહનદાસ પારેખ, હાજી ઝાહીદ બેગ, તાપીદાસ પારેખ, રૂસ્તમ માણેક વગેરેની વાતો. ઇ.સ. ૧૬૬૪ અને ૧૬૭૦ એમ બે વખત શિવાજી દ્વારા સુરતને લૂંટવાની ઘટના, ૧૭૮૨નું પવનનું તોફાન, ૧૮૨૨ની મહારેલ, ૧૮૩૭ની આગ વગેરે બાબતો કાર્યક્રમમાં વણી લેવામાં આવી છે.

ઔધોગિક ક્રાંતિ બાદ ૧૮૬૧માં શરૂ થયેલી જાફર મિલ, ૧૮૭૫માં માણેકજી દોરાબજીનું લોખંડનું કારખાનું, આઝાદી બાદ ખાતર, ઊર્જા, રેયોન, પેટ્રોકેમિકલ્સનું સુરત હબ બન્યું અને સાથોસાથ હીરાઉધોગની પણ શરૂઆત થઈ. હીરાઉધોગને વેગ આપનાર રત્નકલાકારો વગેરે બાબતોનું પણ નિરૂપણ કરવામાં આવશે.

No comments:

Post a Comment