શિયાળાની ફૂલગુલાબી ઠંડી સાથે શરૂઆત થઈ ગઈ છે. શિયાળાની શરૂઆત સાથે જ આંધળીવાનીનો પોંક, પોંકવડા, સુરતીલાલાઓ ખાવા મંડી પડયા છે. આ તરફ નવસારી-વલસાડ જિલ્લામાં ગરમાગરમ મસાલેદાર ઊંબાડિયું મળવા માડયું છે. ગરમાગરમ ઊબાડિયાની જયાફત લોકો મોજથી ઉડાવે છે. ગણદેવી ચાર રસ્તા સતિમાતાના મંદિરની સામી બાજુએ ધરમપુર તાલુકાના બારોલીયા ગામના શિવલાલ શિંગોડાવાળા ટેસ્ટફૂલ ઉંબાડીયાનું વેચાણ કરે છે.
ગણદેવી સતિમાતાના મંદિર સામે છેલ્લા ૩૫ વર્ષથી શિંગોડાના વેપાર સાથે જોડાયેલા શિવલાલ છેલ્લા પાંચેક વર્ષથી ઉંબાડીયું બનાવે છે. બરોડા જિલ્લામાંથી આવતી ત્રણ દાણાની લીલીછમ પાપડી, નડિયાદ જિલ્લાના શક્કરીયા, ગણદેવી તાલુકાનો ગોરોકંદ, બટાટાને લીલા મસાલામાં ભેળવવામાં આવે છે. આ બધી વસ્તુના એક માટલામાં ભરી દેવામાં આવે છે. તેની ઉપરના ભાગે કલાર નામની વનસ્પતિ મૂકી માટલાનું મોં બંધ કરી દેવામાં આવે છે. પછી આ રીતે તૈયાર થયેલા માટલાને ઊધું મૂકી તેની ફરતે છાણા ગોઠવીને તેને સળગાવવામાં આવે છે. બાહ્ય ગરમીના કારણે માટલામાં મૂકવામાં આવેલા કંદ, બટાટા, શક્કરીયા, પાપડી બફાઈ જાય છે. આમ ઊબાડિયું તૈયાર થાય છે. આ રીતે ઊબાડિયું તૈયાર થતા ૩૦ મિનિટ જેટલો સમય લાગે છે.
શિવલાલની સાથે થયેલી વાતચીત મુજબ એક માટલામાં ૪થી ૫ કિલો ઊબાડિયું તૈયાર થાય છે. હાલના પ્રારંભિક તબક્કામાં દરરોજ ૧૦થી ૧૫ જેટલા માટલા બનાવાય છે. જેમ શિયાળો આગળ ધપશે એટલે ઘરાકી વધશે. હમણા રજાઓના દિવસે ઊબાડિયાનો ઉપાડ વધારે રહે છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરે જ ઊબાડિયું બનાવે છે. ગામડામાં વેપારીઓ કાળાવાલની પાપડીનું ઊબાડિયું બનાવે છે. હાલમાં કાળાવાલની પાપડીની શરૂઆત હોય તે મોંઘી મળે છે.
ઊબાડિયું ૬૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થાય છે. લગ્નપ્રસંગે પણ કેટલાક લોકો ઓર્ડર આપી ઊબાડિયું બનાવડાવે છે. ગામડામાં જે લોકો ઘરગથ્થુ ઊબાડિયું બનાવે છે તેઓ એમાં અજમો નાંખે છે. આયુર્વેદ મુજબ અજમો ગુણકારી અને વાયુનાશક હોય તે નાંખવામાં આવે છે. પાપડી વાયડી હોય અજમો નાંખવો ઘણો હિતકારી છે.
ગણદેવી ચાર રસ્તા ઉપર શિવલાલ ઉપરાંત બીજા પાંચથી છ ઊબાડિયાની દુકાનો છે. નવસારી, સુરતથી આવતી ગાડી, મોટરસાઇકલ સવારો ઊભા રહીને ટેસ્ટફૂલ ઊબાડિયાની લિજજત માણે છે. રાજુભાઈ, જીતભાન, લક્ષન વગેરે પણ ટેસ્ટફૂલ ઊબાડિયું બનાવી વેચે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં ઊબાડિયાની માગ વધશે.
આપણી દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત ઊબાડિયા વિશે આપે બહુ સરસ માહિતી આપી. વાંચીને, જોઈને મોઢામાં પાણી આવી ગયું.
ReplyDelete