Monday, December 15, 2008

શિયાળામાં તબિયત બનાવો

ગુજરાતી પત્રકારત્વમાં ભારતીય લશ્કરના ઇતિહાસથી માંડીને ડિફેન્સની તમામ વાતોના સૌથી વધુ જાણકાર પત્રકાર ડો. અરુણકુમાર ભટ્ટ હતા. એમને ડિફેન્સના વિષયમાં ડોકટરેટની પદવી મળી હતી પણ થોડા મહિના પહેલાં માત્ર ૪૯ વર્ષની ઉંમરે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને આણંદની હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. ચંદ્રકાન્ત બક્ષી એમના બાથરૂમમાં હૃદયરોગનો હુમલો આવતાં મરણને શરણ થયા હતા. દેવ ગઢવી પછીના અરછા કાર્ટૂનિસ્ટ મહેન્દ્ર ત્રિવેદી ઉર્ફે નારદ હૃદયરોગથી મૃત્યુ પામ્યા. મહાન અર્થશાસ્ત્રી ડો. નરોત્તમ શાહ, મુકુન્દ આયર્નના મેનેજર કનુભાઇ ગોરડિયા, અભિનેતા આઇ.એસ. જોહર, ઉરુલીકાંચનના ગાંધી આશ્રમના મેનેજર અને મેગસાયસાય એવોર્ડના વિજેતા અને અરવિંદ મફતલાલના પરમમિત્ર મણિભાઇ દેસાઇના મૃત્યુનું કારણ એક જ હતું, હૃદયરોગ.

આ લેખ હું હૃદયરોગ ઉપર લખવા માગતો નથી. આ લેખ આપણા ગુજરાતીઓની સમૃદ્ધિ વધી છે તે સાથે એમનો આહાર પણ વધુપડતી સમૃદ્ધિવાળો થયો છે તે વિષે અને હવે શિયાળાનો લાભ લેવા શરીરને કેવી રીતે અંદરથી શુદ્ધ કરવું તે વિષેનો છે. ગરીબ માણસે સમૃદ્ધ ખોરાક ખાવો જોઇએ અને સમૃદ્ધ માણસે ‘ગરીબ’ ખોરાક ખાવો જોઇએ. અમેરિકા જેમ જેમ ધનમાં સમૃદ્ધ થયું તેમ તેમ આરોગ્યમાં ગરીબડું થઇ રહ્યું છે. હવે અમેરિકનો જાગ્રત થઇ જંકફૂડ ઓછો ખાય છે.

‘અવર ટોકિસક વલ્ર્ડ’ નામના તાજા પુસ્તકમાં ડો. ડોરિસ રેપે આંકડા આપ્યા છે તે અમેરિકાના છે, પણ આપણો અમુક ગુજરાતી વર્ગ ખાનપાનમાં અમેરિકનાઇઝડ થતો જાય છે. તેણે ચરબીવાળા, તેલવાળા તળેલા પદાર્થો, મેંદાના પદાર્થોઅને જંકફૂડથી દૂર રહેવું જોઇએ. પણ ડો. ડોરિસ રેપ કહે છે કે અમેરિકનોના ખોટા આહારવિહારને કારણે તેમ જ હિન્દુઓની જેમ તહેવારના કે અગિયારસના ઉપવાસ કે આયુર્વેદનું ભાન નહીં હોઇને દરેક ૨.૧૮ અમેરિકનમાંથી ૧ને કેન્સર થશે. ૬૨ ટકા અમેરિકનો અદોદળા (બ્ણુફૂસ્ન્ફૂ) છે. ૧.૬ કરોડને ડાયાબિટીસ છે. ૨ કરોડને ક્રોનિક કિડનીના રોગ છે. ૨.૧ કરોડ અમેરિકનોને પેટ, આંતરડાં, ગેસ અને અલ્સરના રોગ છે. ૪૯ ટકા અમેરિકનો રાત્રે ઊંઘી શકતા નથી. તાત્પર્ય કે આખું અમેરિકા અમુક અપવાદ સિવાય રોગિષ્ઠ છે.

આજે અમેરિકા નાહકનું ટેરરિસ્ટથી ડરે છે. અમેરિકનોનો ખોટો આહાર જ એમનો મોટો ઇન્ટરનલ ટેરરિસ્ટ-આંતરિક દુશ્મન છે. અમેરિકા કરતાં અમુક દૃષ્ટિએ આપણા ગુજરાતીઓ વધુ ભયમાં છે, કારણ કે અમેરિકનો તો જાગ્રત થયા છે — હેલ્થ કોન્સિયસ થયા છે. વધુ ને વધુ અમેરિકનો ડાયેટ-આહારનું ઘ્યાન રાખે છે. આપણે ભાદરવો આસો મહિનામાં વડવાઓનાં શ્રાદ્ધ તેમ જ શ્રાવણના તહેવારોમાં અને દિવાળીમાં કેટલાં દૂધ, રબડી, દૂધપાક ખાધાં છે — અરે, ઝાપટયાં છે. દિવાળીની મીઠાઇઓ ખાધી છે. હવે સ્વાદુ જીભવાળો ગુજરાતી વધુ આત્મઘાતક આહાર લઇને હૃદયરોગ કે પેટની એસિડિટીનો રોજનો ગ્રાહક બનશે. શીલા ભટ્ટને રિડિફની એકિઝકયુટિવ એડિટરશિપ મળી છે. વડા પ્રધાન સાથે દેશદેશ ફરે છે. ઘરનું ખાવાનું નસીબ નથી. ફરિયાદ કરે છે કે તેને સખત-સખત (બે વખત બોલે છે) એસિડિટી છે. દિલ્હીમાં શિયાળો શરૂ થઇ ગયો છે. મુંબઇમાં શિયાળો આવી રહ્યો છે. તેનો લાભ તો જ લઇ શકાય છે જૉ પેટની શુદ્ધિ થાય.

આયુર્વેદના રયવનપ્રાશની જાહેરખબરો હવે આવવા માંડશે તે જોઇને ઘણા ‘તાકત’ મેળવવા શિયાળામાં નાહકના રયવનપ્રાશ આરોગશે. કઠણાઇ એ છે કે હવે મુંબઇમાં ચારેય ઋતુમાં ઉનાળો જ ઉનાળો છે. કોઇ ગુજરાતી(વયસ્ક)ના પેટ રયવનપ્રાશ માટે હરગિઝ લાયક નથી. ગુજરાતીનાં પેટ વખતોવખત ઉપવાસ અને શનિવારે એકટાણાં કરવા માટે લાયક રહ્યા છે.

શરદઋતુ વિદાય લે અને હેમંત ઋતુના આગમન સાથે ઋતુ પરિવર્તનકાળમાં શરીરનું ઘ્યાન રાખીને સૌએ પ્રથમ તો એ પરિવર્તનકાળ વખતે ઉપવાસ કરવા જોઇએ. ઋતુ પરિવર્તન વખતે આજે મુંબઇમાં શરદી, તાવ, ઉધરસ, અને સાંધાના દુખાવા શરૂ થઇ ગયા છે. દમના દર્દી જેને આસો-ભાદરવામાં રાહત હતી એને હવે શિયાળામાં દમની તકલીફ વધશે. મૂળ સતારાના ડો. નટરાજ દ્રવિડ મુંબઇ આવ્યા ત્યારે મને કહ્યું કે ‘હવે હું એલોપથીની દવા આપતો નથી. હર્બલ દવાઓ એટલે કે આયુર્વેદના ઔષધીય છોડમાંથી બનેલી દવા જ આપુ છું, પરંતુ દર્દીના આહાર ઉપર ખાસ ઘ્યાન આપું છું. અડધા બીમાર લોકોએ અને દમના દર્દીએ થોડો સમય મુંબઇ છોડી દેવું જોઇએ, અગર તો જૂના ઋષિઓ જેવા ફળફૂલનો આહાર એક ટાણે લેવો જોઇએ.’

હવે મુંબઇમાં કે અમદાવાદમાં પણ પર્યાવરણ ખરાબ છે, તેમાં દિવાળીના ફટાકડા આ વખતે શેરબજારની મંદી છતાં એવા ને એવા ખૂબ ખૂબ ફૂટયા અને પર્યાવરણને વધુ બગાડયું છે. દિવાળીનું ફટાકડાનું બાહ્ય પોલ્યુશન, ઉપરાંત દિવાળીના સ્પેશિયલ તળેલાં ફરસાણો અને મીઠાઇનો ઉપભોગ તેમ જ ધંધાની હડિયાપટ્ટી થકી આંતરિક પોલ્યુશન વધેલું છે. ગુજરાતીઓ એના આહારમાં તેલ અને ગોળનો પાગલની માફક ઉપયોગ કરે છે. હવે માત્ર ગાંિઠયામાં ગોળ નાખવાનું બાકી છે. પૂરીમાં ગોળ, ચેવડામાં ગોળ, થેપલામાં ગોળ, દાળમાં ગોળ અને દરેક ફરસાણમાં ગોળ વાપરે છે. આ લેખ વાંચી થોડીક ગુજરાતણો શાક-દાળમાં ગોળ નાખવાનું બંધ કરે તોય લેખે લાગશે. શાકદાળમાં ગોળ નાખવાથી દુ:પારય બને છે. યુઝર્સ કાઉન્સિલનું મિડિયા રિસર્ચ કહે છે કે ગુજરાતીઓ ભારતમાં સૌથી વધુ તેલ આરોગે છે. ગુજરાતમાં માથાદીઠ તેલનો વપરાશ વર્ષે સરેરાશ ૨૫ કિલો છે. ઉત્તરપ્રદેશમાં માત્ર ૮ કિલો છે. ચીનાઓ શાકભાજીમાં એક ટીપુંય તેલ નાખતા નથી. આપણા ગુજરાતીનાં શાક તો તેલમાં ઝબકોળ્યાં હોય તેવાં પીરસાય છે.

‘ઇન્ટર હાર્ટ’ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ૨૦૦૮ની શરૂઆતમાં પિશ્ચમના લોકોના આહાર વિષે સંશોધન કર્યું તો માલૂમ પડયું કે વેસ્ટર્ન-ડાયેટ થકી હૃદયરોગનું જોખમ ૩૫ ટકા વધી જાય છે. જગતભરમાં નમકવાળા, તેલવાળા અને ચરબીવાળા આહારનો ઉપભોગ વધી પડયો છે. ‘ઇન્ટર હાર્ટ’ સંસ્થા કહે છે કે ૧૬૦૦૦ જેટલા હાર્ટએટેકના દર્દીને તપાસતાં માલૂમ પડયું કે એમના આહારમાં તળેલા અને મીઠાવાળા પદાર્થો વિપુલ પ્રમાણમાં હતા. જે ગુજરાતી પૂરીપકોડીભેળ, તેલવાળા પરોઠા અને ઊંધિયું ખાતા હોય એમને રયવનપ્રાશ ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે.

ઇન્ટર હાર્ટ સંસ્થાએ પ્રુડન્ટ ડાયેટની ફોમ્ર્યુલા આપી છે. ડહાપણ ભરેલો ખોરાક એ જ છે જેમાં લીલાં બાફેલાં અને તેલ વગરનાં શાકભાજી હોય, પાંદડાંવાળી ભાજી હોય, કાચાં કચુંબર હોય તેમ જ ફળો હોય અને રોટલી કે રોટલાનું પ્રમાણ આહારમાં માત્ર ૨૦ ટકા હોય. ડો. જોસેફ મેરકોલાએ તો અમેરિકનો માટે ‘નો ગ્રેઇન ડાયેટ’ની ભલામણ કરી છે. એટલે કે આહારમાં અનાજ બિલકુલ ન લેવું. ઉરુલીકાંચન આશ્રમમાં વિનોબા ભાવેના નાના ભાઇ બાલકોબા ભાવે અનાજ લેતા જ નહીં. આજે ઘઉંની રોટલી મુંબઇગરાએ તો માત્ર ૧થી ૨ જ ખાવી જોઇએ. મહેમાનોને ગરમ ગરમ રોટલીઓ પીરસવાનો આગ્રહ જંગલી ગણાવો જોઇએ. જમતી વખતે જ બે રોટલી લઇને એને નિરાંતે ચાવીને કચુંબર-શાક ખાવાં જોઇએ. પીરસવાની પ્રથા બંધ થવી જોઇએ. તે બાબતમાં જૈન સાધુ બનવું જોઇએ.

શરીરસંપત્તિ સારી નહીં હોય તો શેરબજારના ઊંચા ઇન્ડેકસ કે તેમાંથી થયેલી દસગણી કમાણીનો કોઇક અર્થ નથી. પિશ્ચમના લોકો આ વાત સમજી ગયા છે. અમેરિકા-યુરોપમાં તમામ અખબારો રોજરોજ આરોગ્યની કટારો છાપવા માંડયાં છે. લંડન ટાઇમ્સમાં દર શનિવારે ૨૦ પાનાંની આરોગ્ય પૂર્તિ (સપ્લિમેન્ટ) પ્રગટ થાય છે. આપણે ત્યાં ઓછા તેલવાળો ખોરાક ખાવાનો પ્રચાર કરનારું કોઇ મંડળ છે? બ્રિટનમાં ચરબીવાળો ખોરાક ન ખાવો તેનો પ્રચાર કરનારું કોરોનરી પ્રિવેન્શન ગ્રુપ છે. લંડનમાં ‘એન્ટીસ્મોકિંગ ગ્રુપ’ છે. અમેરિકાની સરકાર અને ‘અમેરિકા હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટયુટ’ નામની સંસ્થાના પ્રચારને કારણે અમેરિકન લોકો આજકાલ ચરબી વગરનું દૂધ લેતા થયા છે અને આહારમાંથી મીઠું, બટર અને ખાંડ ઓછાં પ્રમાણમાં લેતા થયા છે.

આજે મેરેજ બ્યુરોમાં કન્યાને જોવા ગુજરાતી મુરતિયો જાય છે ત્યારે ઘણી ગુજરાતી કન્યા તો કેવી કેવી સ્વાદિષ્ટ વાનગી અને તળેલા નાસ્તા બનાવી શકે છે તેની બડાઇ મારે છે — મને કટલેટ આવડે છે, પકોડા, કચોરી આવડે છે, અરે હું ઘરે પિત્ઝા પણ બનાવી શકુ છું. ખરેખર તો હવે કન્યાને મુરતિયાએ પૂછવું જોઇએ:-

તને બિલકુલ ઓછા તેલવાળું શાક બનાવતાં આવડે છે?

પતિ કે સસરા-સાસુ બીમાર પડે એને ખાવા માટે બાજરાની ધેંશ કે ઘઉં અગર ચોખાના લોટની રાબ બનાવતાં આવડે છે?’

સ્વાદિષ્ટ મગની દાળ જેમાં બિલકુલ ગોળ કે ખાંડ ન હોય તેવા મગ કે આખા મગ બનાવતાં આવડે છે? મગને ફણગાવીને તેનું શાક બનાવતાં આવડે છે? મગને ફણગાવતાં આવડે છે?

દરેક અગિયારશે તું ઉપવાસ કરી શકે છે? જૈન ધર્મ પ્રમાણે એકાસણાં કે પર્યુષણમાં અમુક ઉપવાસ કરી શકે છે? આવા સવાલો પૂછવાનો સમય આવ્યો છે.

આયુર્શકિત નામના ઉપચાર કેન્દ્રમાંથી મોટેભાગે ડો. પંકજ નરમ પરદેશ હોય છે ત્યારે તેનો ચાર્જ સંભાળનારા વૈધને મેં પૂછ્યું કે ઋતુના પરિવર્તન વખતે શરીરશુદ્ધિ માટે અને શિયાળાના પૌષ્ટિક આહારને પચાવવા માટે શરીરને કેમ તૈયાર કરવું? ત્યારે આ પ્રમાણેનો જવાબ મળ્યો:

બની શકે તો બે ઉપવાસ કરવા. ઉપવાસમાં સૂંઠનું ઉકાળેલુ પાણી અગર તુલસીનાં પાન અને આદુનો ઉકાળો બે ચમચા મધ સાથે લેવો. (જેની પિત્તપ્રકૃતિ હોય એણે તુલસીના પાનનો ઉપયોગ વૈધને પૂછીને કરવો.)

જો અનાજ વગરનો ઉપવાસ ન થઇ શકે તો જમવામાં મગનું પાણી એકદમ મુલાયમ ભાત અને એકટાણે મેથીની ભાજી લેવી. માત્ર સંતરાં-મોસંબી જેની ઋતુ હવે આવી છે તેનો રસ ગ્લાસ ભરીને ત્રણ વખત પીને વધુ સારો ‘ઉપવાસ’ થઇ શકે છે. સંતરાં-મોસંબીનો રસ માત્ર સવારે જ પીવો.

જૂના જમાનામાં આ ઋતુમાં કરિયાતુંનો ઉકાળો પીવાતો હતો. કરિયાતુંને પલાળીને સવારે ગરમ કરીને એક સપ્તાહ સુધી પીવું.

ગાજર, બીટ, કાકડી, કોબી કે પાલકનો રસ પીવાની આ સિઝન છે. ખાસ કરીને મુંબઇમાં હવે ઘઉંના જવારાનો તૈયાર રસ મળે છે (અમદાવાદમાં પણ મળે છે), તે સવારે માત્ર ૫૦થી ૧૦૦ ગ્રામ લેવો. મગના પાણીમાં એમિનો એસિડ નામનાં પોષક દ્રવ્ય છે. હવે ૫૦ની ઉપરની ઉંમરવાળાએ તુવેરદાળ છોડીને આખા મગ કે મગની દાળનું જ સેવન કરવાનો સમય આવ્યો છે.

આરોગ્યની રત્નકણિકાઓ

૧. ‘બિઝનેસ વીક’ જેવું વ્યાપારને લગતું સાપ્તાહિક પણ આરોગ્યના લેખો છાપવા માંડયું છે. ૨૩-૭-૨૦૦૮ના અંકમાં લખ્યું છે કે સોયાબીન્સનો ઉપયોગ અમેરિકા-યુરોપ પછી ભારતમાંય અજાણતાં વઘ્યો છે. હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચફેલો ડો. જયોર્જ કહે છે કે સોયાબીનનો આહાર પુરુષોના શુક્રાણુ ઘટાડે છે. ઉપરાંત તેની એસ્ટ્રોજનની એકિટવિટી વધારે છે. અર્થાત્ તેના હોર્મોન બેલેન્સમાં ફેરફાર કરે છે. ખાસ કરીને અદોદળા પુરુષે સોયાબીનનો આહાર ન ખાવો.

૨. ‘ન્યુ સાયન્ટિસ્ટ’ નામના વિજ્ઞાનના સાપ્તાહિક(૮-૩-૦૮)માં લખ્યું છે કે કેટલાક લોકો ડિપ્રેશન માટેની દવા લે છે, તેમ જ ઘણા માનસિક ઉપચાર વખતે દવા લે છે તે દવા થકી ચરબી વધે છે. એલીલીલી નામની દવા કંપનીએ કબૂલ કર્યું છે કે મિજાજને ઠેકાણે રાખવાની દવા કે મૂડ સ્ટેબિલાઇઝર માટેની દવા ઝાયપ્રેકસા થકી દર્દીનું વજન ખૂબ વધી જાય છે. ૧ વર્ષમાં ૧૦ કિલો વજન વધે છે! બકરું કાઢતાં ઊંટ પેસે છે. એલોપથની તમામ દવા આડઅસર કરે છે.

૩. છેલ્લે યુનિવર્સિટી ઓફ ન્યુ ઓર્લિયન્સના અભ્યાસ પ્રમાણે પૂર્ણચંદ્ર અગર પૂનમનો ચાંદ માનવીને અસર કરે છે! છેલ્લે ૧૯૭૮માં એક પુસ્તક ડો. આર્નોલ્ડ લિબરે પ્રગટ કરેલું તેનું નામ હતું ‘હાઉ ધ મૂન અફેકટસ યુ’ તેમાં લખે છે કે પૂનમને કારણે ગુનાઓ વધી શકે છે, માનવીની વર્તણૂક બદલી શકે છે અને... અને... શેરબજારમાં પણ મોટી થલપાથલ થાય છે. ૧૯મી સદીમાં તો ઇંગ્લેંડના વકીલો કોર્ટમાં બચાવ કરતા કે મારો અસીલ આ ગુનો કરી ચૂકયો છે તે પૂનમની ચાંદનીની અસર હતી! માનવીનું શરીર ૬૫ ટકા પાણી છે. જેમ દરિયાની ભરતીને પૂનમ અસર કરે છે તેમ માનવીના શરીરમાં પૂનમ જ ભરતી-ઓટ લાવી શકે છે. ૮૧ ટકા જેટલા માનસ-ઉપચારકો માને છે કે ચંદ્રની માનવીની વર્તણૂક ઉપર અસર થાય છે. પણ સિડની યુનિવર્સિટી તેમ જ કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કા ચેવાનના ડો. ઇવાન કેલી માને છે કે ચંદ્રની કોઇ ખાસ અસર નથી. હા, જૂના જમાનામાં વીજળીના દીવા નહોતા ત્યારે આવી અસર થતી!’ એનો અર્થ એમ કે વીજળીના દીવા આજુબાજુ ન હોય તેવા સ્ત્રી કે પુરુષને પૂનમની અસર થાય છે—થઇ શકે છે.
Kanti Bhatt

No comments:

Post a Comment