Thursday, April 23, 2009

‘ફન વકર્સ’ રમૂજ એક થેરપી

Bakul Baks


navi-nazare


કોઇ પણ કામને બે રીતે કરી શકાય છે. બહુ ગંભીર થઇને અથવા મન હળવું રાખીને. જે લોકો હસતા રમતાં કામ કરવાની ટેવ પાડી શકે છે તેમને કામનું બહુ ટેન્શન રહેતું નથી. મન હળવું રાખીને કામ કરવું એટલે બેદરકાર રહેવું તેવું નથી પણ એનાથી કામના ટેન્શનનો ભાર જરૂર ઓછો થાય છે.




કામ પ્રત્યે કેવો અભિગમ રાખવો તે દરેકના સ્વભાવને અનુરૂપ હોય છે. ઘણાં લોકો મુસીબતની સ્થિતિમાં પણ પોતાની રમૂજી વૃત્તિ જાળવી શકે છે. આવા લોકો પોતાની સમસ્યાઓનો સામનો પણ હસતાં રમતાં કરી શકે છે. પુસ્તક ‘ફન વકર્સ’માં લેખક લેઝલી યરકીસ દરેક વાચકને જીવન તથા વ્યવસાયને સરળતાથી લેવાનો સંદેશ આપે છે.




એથવા એમની પાસે સમય નથી. લેખક એન્ડિનેવિયાની એક કહેવત ટાંકે છે- જીવનમાં કોઇ પણ ઉંમરે ફરી બાળક બની શકાય છે. જે બાળકની સહજતા અને કુતૂહલને આપણા જીવનમાં ફરી લાવી શકાય તો ઘણું ટેન્શન ઓછું કરી શકાય.




કામ કરતાં મજૂરો ગીત ગાતા રહે છે. કાળી મજૂરી સામે આ એમનું રિલેકસેશન છે. સ્નો વ્હાઇટની પરિકથામાં સાત વહેંતિયાઓ હંમેશ કામ કરતા હોય છે પણ સાથે સાથે સિટી વગાડતા જાય છે. એમનો સિદ્ધાંત છે- વ્હીસલ વ્હાઇલ યૂ વર્ક. મન પ્રફુલ્લિત અને હળવું રાખવાથી કામ કરવાની ક્ષમતા વધે છે અને પરિણામ સારું આવે છે.




પોતાના વિચારો કે પ્રવૃત્તિમાં જડતા નહીં આવવા દો. જયારે પણ હળવા થવાનો મોકો મળે ત્યારે એને ઝડપી લો. જે હસે છે એની સાથે દુનિયા પણ હસે છે. ઓફિસમાં પણ એવી હળવાશ લાવી દો કે પારિવારિક વાતાવરણ બની જાય. નોકરી કે વ્યવસાય જયારે કોઇ હોબી કે શોખ જેવો લાગવા માંડે ત્યારે જ ખરેખર રિલેકસ થઇ શકાય છે.




રમૂજ જો વહેંચી શકાય તો એ ટોનિક બની જાય છે. આવા સરળ અને હળવા વાતાવરણમાં દરેકની કાર્યક્ષમતા પણ વધે છે. સારા માણસોની ટીમ બનાવી એમના પર વિશ્વાસ મૂકતાં શીખો. એમના માર્ગમાં અવરોધો ઊભા નહીં કરો તો એ લોકો સારામાં સારું પરિણામ આપશે.




થોડા સમય માટે રજા લઇ કયાંક ચાલ્યા જાઓ. કયારેક કામની ગતિને ધીમી કરી દો અને જીવનનો આનંદ માણતા શીખો. વ્યસ્ત અને કાર્યરત હોવા છતાંય રમૂજ કે આનંદનું વાતાવરણ ઊભું કરી શકશો તો ટેન્શનની અસરથી બચી શકશો, રમૂજ એક પ્રકારની થેરપી બની જશે.

No comments:

Post a Comment