Monday, February 2, 2009

સુરતને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

ઔધોગિક નગરી સુરતની ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકેની ઓળખ વિકસાવવામાં આવશે. શહેરના ઔધોગિક સંગઠનો તથા હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા શહેરના ફરવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા વાનગીની ખાસિયતોનો પ્રચાર કરી સુરતને રાષ્ટ્રીય ફલક પર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ દ્વિ-દિવસીય હોસ્પિટાલિટી અને ટુરિઝમ મીટ યોજી દેશભરમાંથી ૫૦ યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સની ટુરિઝમ કમિટીના ગ્રુપ ચેરમેન પરેશ પટેલના જણાવ્યા મુજબ ઔધોગિક નગરી સુરત એક પ્રવાસન સ્થળ પણ છે. સુરતમાં અંગ્રેજોની કોઠી (કિલ્લો), મુઘલસરાઈ, ડચ સિમેટ્રી, ઇસ્લામિક મોન્યુમેન્ટ્સ સહિતના અનેક સ્થળો છે.

ઉપરાંત વિશ્વ વિખ્યાત જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી તથા સમગ્ર ભારતમાં સિન્થેટિક ફેબ્રિકસ પૂરું પાડતી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી લોકોનું આકર્ષણ બની શકે છે. જયારે સુરતનું જમણ વિશ્વવિખ્યાત છે. આ તમામ બાબતો ટેકસટાઇલ, ડાયમંડ, ફૂડ (વાનગી) અને કલ્ચર (સંસ્કતિ)નો સમન્વય કરી એક ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સુરતને વિકસાવી શકાય છે.

જે આશયસર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, રાજય સરકારના ટુરિઝમ વિભાગ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે ‘ડિસ્કવર સુરત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોંક અને ઊધિયાનો રસાસ્વાદ માણશે

સુરતના મહેમાન બનનારા દેશભરમાંથી આવનારા ૫૦ યુગલોને સુરતી ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. જેમ-જવેલરી સંસ્થા, ટેકસટાઇલ માર્કેટ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત બાદ આમંત્રિત મહેમાનોને પોંક તથા સુરતી ઊધિયા સાથેગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.

No comments:

Post a Comment