Tuesday, January 13, 2009

મકરસંક્રાંતિ માટે સુરતીઓનો થનગનાટ

kitesમંદી અને નીરસતાની બુમરાણ વચ્ચે પતંગ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. મકરસંક્રાંતિ આડે માત્ર ગણતરીના બે દિવસ રહી જતાં ડબગરવાડ-કોટસફિલ રોડ, ટાવર રોડ સહિતનાં બજારોમાં પતંગ અને દોરી-માંજાની ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગના જથ્થાબંધ વિક્રેતા ઘનશ્યામભાઈ છત્રીવાળાના જણાવ્યા મુજબ ૮ જાન્યુઆરીથી બજારમાં ચહલપહલ જોવા મળી રહી છે.

ગુરુવારે મોહરમની રજામાં તથા શનિ-રવિના રોજ બજારમાં પતંગની સારી ખરીદી નોંધાઈ રહી છે. લોકો દ્વારા પતંગની ખરીદીમાં ઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યા છે. શહેરના ઘણાં જથ્થાબંધ પતંગ વિક્રેતાઓને ત્યાં પતંગનો સંગ્રહિત જથ્થો પૂર્ણ થઈ ગયો છે.

માંજો ઘસાવવામાં પણ પડાપડી

ડબગરવાડમાં બોબિન વિક્રેતા અને માંજો ઘસનારા રાજેશ છત્રીવાલાના જણાવ્યા મુજબ પ્રારંભિક તબક્કાની નીરસતા બાદ અંતિમ દિવસોમાં લોકોએ દોરી પર કાચનો માંજો ચઢાવવા ધસારો કર્યો છે.

ચાઇનીઝ પતંગની માગ ઘટી

પતંગવિક્રેતા સતીશભાઈ છત્રીવાલાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે બજારમાં ચીલ-ખંભાતી તથા ગોળ પતંગની ડિમાન્ડ છે. થોડાં વર્ષોથી ચાઇનીઝ પતંગનું આકર્ષણ હતું. પરંતુ ચાલુ વર્ષે બજારમાં ચાઇનીઝ પતંગની માગ ઘટી છે.

પતંગના ભાવ ૨૦ ટકા ઊચા

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પતંગના ભાવ ૨૦ ટકા ઊચા છે, જે માટે કાગળના વધતા ભાવ, પતંગમાં વપરાતી કામળી તથા કાગળ પર વેટ ભારણ જેવાં પરિબળો જવાબદાર છે.

મંગળવારે રાત્રે હરાજીબજાર જામશે

શહેરના વિસ્તરણ સાથે જુદા જુદા વિસ્તારોમાં પણ પતંગ-દોરી વિક્રેતાઓ ખૂલ્યા છે. પરંતુ મકરસંક્રાંતિના પર્વ માટે રાજમાર્ગ પર બજાર ભરાય છે. ખાસ કરીને મકરસંક્રાંતિની પૂર્વ રાત્રિએ દિલ્હીગેટથી લાલગેટ સુધીના માર્ગ પર શહેરભરના પતંગવિક્રેતાઓ રેંકડી ખોલે છે.

જેઓ દ્વારા છેલ્લી ઘડીનો સંગ્રહિત જથ્થો બજારની ચાલ અને પતંગની ડિમાન્ડના આધારે વેચવામાં આવે છે. આ બજાર હરાજીબજાર તરીકે પણ ઓળખાય છે. મકરસંક્રાંતિની પૂર્વસંઘ્યાએ હકડેઠઠ જામતી ભીડના કારણે રાજમાર્ગ પર ટ્રાફિક બંધ કરવાની પણ ફરજ પડે છે.

No comments:

Post a Comment