સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી
ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા હતા. સુરતે તેના કવિરત્નોમાંના એક આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.
મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.
તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો ‘લીલા’ અને ‘તાપી તીરે’ આપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન
એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.
સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી
સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.
No comments:
Post a Comment