Saturday, March 7, 2009

દીકરી પરનાં પુસ્તકો વેચાય તો’ય દીકરી તો વેતરાય જ

Women-Weekગુજરાતી લેખકોએ પુસ્તકો લખીને દીકરીઓ પર વહાલ વરસાવ્યું છે,પણ વાચકોમાં જાગૃતિ કેમ નથી આવતી? પૂછે છે દિવ્યેશ વ્યાસ

દીકરી કોને વહાલી ન હોય? દીકરીને સાસરે વળાવતાં કયા માતા-પિતાની આંખ કોરી રહે છે? તો પછી વહાલનો દરિયો, ઘરનો દીવો, સ્નેહની સરવાણી, પ્રેમની પુષ્પાંજલિ ગણાવાતી દીકરીનો જન્મવાનો અધિકાર કેમ છીનવાઈ જાય છે? દીકરીને જન્મવા જ નહીં દેવાની માનસિકતા, ઠંડી ક્રૂરતા આવી કયાંથી? પોતાનો લાડનો ખજાનો માતા-પિતા સામેથી કેમ લૂંટાવી દેવા લાગ્યાં છે? આ એવા સવાલો છે, જેના જવાબ આજે ખુદ સમાજ પણ સ્વસ્થતાથી આપી શકે એમ નથી.

આપણે ત્યાં દીકરીને લગતાં જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે, તે ખૂબ વેચાયાં છે. ગુજરાતી પ્રકાશન ક્ષેત્રે દીકરીનાં પુસ્તકોએ બેસ્ટ સેલર તરીકે રેકોર્ડ સ્થાપ્યા છે, પરંતુ એ જ ગુજરાતમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. ગુજરાતમાં દીકરીને લગતાં પુસ્તકોમાં સૌથી પહેલું જીભે ચડતું નામ ‘દીકરી વહાલનો દરિયો’ છે.

સમભાવ મીડિયા લિમિટેડનું આ પુસ્તક હાલ નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. ગુજરાતનાં કવિઓ, સાહિત્યકારો અને અન્ય મહાનુભાવો એમ કુલ મળીને ૩૬ લેખકોએ આ પુસ્તકમાં પોતાની વહાલસોયી દીકરીઓ પર લાગણીસભર લેખો લખેલા છે. સપ્ટેમ્બર ૧૯૯૮માં પ્રથમ વાર પ્રકાશિત આ પુસ્તકની અત્યાર સુધીમાં અધધ કહેવાય એટલી બાવીસ આવૃત્તિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.

નવભારત સાહિત્ય મંદિરના વડા મહેન્દ્રભાઈ શાહના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે ૪૦,૦૦૦ નકલો વેચાઈ છે. આ પુસ્તકને મળેલા વ્યાપક પ્રતિસાદ બાદ તેમના દ્વારા આવું જ બીજું પુસ્તક ‘દીકરી એટલે દીકરી’ પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેની ૬૦૦૦થી વધુ નકલો વેચાઈ છે અને ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ છે.

ગયા વર્ષે માર્ચમાં પાર્શ્વ પબ્લિકેશનનું‘દીકરી અમારી કુળદીવડી’ પ્રકાશિત થયું હતું. સામાજિક સંશોધક શૈલજા ધ્રુવ અને ડો. ચંદ્રિકા રાવલ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પુસ્તકમાં એક જ સંતાન અને તે પણ બાળકી હોય તેવાં, ૧૫૭ માતા-પિતાની વાત રજૂ કરવામાં આવી છે.

માતા-પિતા દીકરીને સન્માનની દ્રષ્ટિએ જોતાં થાય, દીકરી પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય એવા દ્રષ્ટિકોણ સાથે તૈયાર થયેલા આ પુસ્તકને પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો છે અને તેનું વેચાણ એટલું ઝડપથી થયું છે કે તેની બીજી આવૃત્તિ ટૂંક સમયમાં જ પ્રગટ કરવાની સ્થિતિ સર્જાઈ છે.

ચોપડી નહીં, પણ ચોપડાપ્રેમી તરીકેની છાપ ધરાવતા ગુજરાતી લોકોમાં દીકરી પરનાં પુસ્તકો ખાસ્સા એવા પોંખાયા છે, વેચાયાં છે.

ગુજરાતમાં પ્રવર્તી રહેલા આ વિરોધાભાસને મહિલા વિકાસ ક્ષેત્રે કાર્યરત અને ‘અવાજ’ સંસ્થાનાં વડાં ઇલાબહેનનું કહેવું છે, ‘ઉચ્ચ મઘ્યમ વર્ગના લોકો આવાં પુસ્તકો ખરીદી-વાંચી શકે છે. બીજો આપણા સમાજનો મોટો વર્ગ નિમ્ન મઘ્યમ વર્ગ અને ગરીબ લોકોનો છે, જેઓ ભાગ્યે જ આવાં કોઈ પુસ્તકો ખરીદી શકે છે કે વાંચે છે.

તેમના સુધી આ પુસ્તકની વાત પહોંચતી જ નથી, તેઓ પોતાની જડ માનસિકતામાં રાચે છે અને દીકરી ઇરછતા નથી. જો કે વધુ દુ:ખની વાત એ છે કે આવાં પુસ્તકો વાંચનારા અને તેના ભારોભાર વખાણ કરનારા પણ અંદરખાને તો દીકરી સાથે કોઈ ને કોઈ રીતે તો ભેદભાવ રાખતા જ જોવા મળે છે. આને માટે સમાજનો દંભ શબ્દ જ વાપરવો પડે.’

પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી ઘનશ્યામ શાહ કંઈક જુદો જ દ્રષ્ટિકોણ ધરાવે છે. ઘનશ્યામભાઈનું માનવું છે, ‘સમાજમાં જ માનસિક વિરોધાભાસ પ્રવર્તે છે. આપણે ત્યાં એવાં કોઈ માતા-પિતા નથી હોતા, જેમને દીકરીને ગર્ભમાં જ મારી નાખવાનું ગમતું હોય. તેઓ પણ અંદરથી તો એવું જ માનતા હોય છે કે તેઓ ખોટું કરી રહ્યાં છે.books and girls

તેમને દીકરી વહાલી જ હોય છે અને એટલે જ આવાં પુસ્તકો વેચાય-વંચાય છે, પરંતુ આજના સંજોગો સામે તેઓ લાચારી અનુભવે છે. આપણું સામાજિક માળખું એવું છે કે દીકરીના પિતાએ દહેજની ચિંતા કરવી પડે છે. દીકરી ઘરની બહાર નીકળે કે તેની સલામતીની ચિંતા દયને કોરી ખાતી હોય છે. આમ, આવા સંજોગોમાં માબાપને દીકરીનું સતત ટેન્શન રહેતું હોય છે. આ ટેન્શનના નિવારણ માટે તેઓ કમને પણ સ્ત્રી ભ્રૂણહત્યાનું પાતક વહોરે છે.

લોકો મૂરખ નથી, બધું સમજે છે, પરંતુ વાસ્તવિકતાને અવગણી નથી શકાતી. હું આ વિરોધાભાસને સમાજના દંભનું નહીં, પણ પ્રવર્તમાન સંજોગો સામેની લાચારીનું પરિણામ માનું છું.એક તરફ દીકરી પરનાં પુસ્તકો વેચાય અને બીજી તરફ દીકરી જન્મ પહેલાં ગર્ભમાં જ વેતરાઈ જાય, એ વિરોધાભાસ દૂર કરવા માટે લાગે છે કે સમાજની માનસિકતા જ નહીં સમગ્ર માળખું બદલવાની તાતી જરૂર છે.

પોતાના તમામ દંભ અને ડર દૂર કરીને દીકરીને માટે સુરિક્ષત વાતાવરણ ઊભું કરવું પડશે.’ કવિ દાદના શબ્દો વાપરીને કહીએ તો લૂંટાતો ‘લાડનો ખજાનો’ બચાવવા સમાજે બાલમુકુન્દ દવેની પંકિત ઉછીની લઈને પણ એકસાથે અને એકશ્વાસે કહેવું પડશે ‘તું શાની સાપનો ભારો? તું તુલસીનો કયારો લાડકડી!’

No comments:

Post a Comment