કહેવાય છે કે જો ગૂગલ તમને શોધી ન શકે તો સમજવું કે તમારું આ દુનિયામાં અસ્તિત્વ નથી, કારણ કે આજે પિન ટુ પિયાનો નહીં પરંતુ પીઝા શોપથી માંડી ન્યૂક્લિયર બોમ્બ સુધીની માહિતી માટે ‘ગૂગલ દેવતા’નો સહારો લીધા વિના છૂટકો નથી રહ્યો. જ્યારે આખી દુનિયા ગૂગલ પર આધારિત થઈ ગઈ છે તેવામાં જે ગૂગલને જીવતું રાખે છે તેવાં ડેટા સેન્ટર્સને પણ ભુલાય તેમ નથી.
ઈન્ટરનેટના યુગમાં કેવી રીતે પ્રેગ્નન્ટ થવાય તેની માહિતી પણ ગૂગલ ઉપર શોધવામાં આવે છે. માનવામાં નહીં આવે પરંતુ સૌથી વધારે લોકો આ વિશેની માહિતી મેળવવા ગૂગલ પર ફાંફાં માર્યા કરે છે. જમીન કો ખોદ કે ને આસમાન કો ફાડકે ઢૂંઢ નિકાલૂંગા તેવા આ ફિલ્મી ડાયલોગને દરેક માહિતી શોધીને સાચો સાબિત કરી આપતાં ગૂગલ સર્ચ એન્જિનની મુલાકાત લેવાનું આજનો એકેય ઈન્ટરનેટ યુઝર ટાળી શકે તેમ નથી. નાની ડિરેક્ટરી વેબસાઈટથી ચાલુ થયેલી આ વેબસાઈટ આજે મહાસર્ચ એન્જિન બની બહાર આવ્યું છે. સર્ચ એન્જિનની છાપ છોડી ગૂગલે એટલા પ્રોજેક્ટ બનાવ્યા છે જે માનવીની પ્રાથમિક જરૃરિયાતોમાં પણ ઉપયોગી નીવડી શકે છે. વેલ, તેમ છતાં ગૂગલ નામ પડે એટલે આપણા માટે તો કંઈ પણ શોધવાનો સસ્તો અને સરળ રસ્તો જ કહેવાય.
Google.com ઓપન કરતાં જ એકદમ સીધું અને સાદું ગૂગલના રંગબેરંગી લોગોવાળું હોમપેજ ખૂલે છે. ત્યારે મનમાં એવી ભાવના પેદા થાય કે કેટલું સરળ પેજ બનાવ્યું છે અને કદાચ આ માટે તો ગૂગલને બેક એન્ડમાં સર્વર, હાર્ડવેર કે અન્ય કોઈ માટે વધુ ખર્ચ નહીં કરવો પડતો હોય. જો તમારા મનમાં આવા પ્રકારની કોઈ પણ ભાવના આવતી હોય તો તદ્દન ખોટી છે, કારણ કે આ માટે ગૂગલને થતો ખર્ચ અને સેટઅપ કદાચ તમારી કલ્પના બહારનો છે. ગૂગલના દરેક ઓનલાઈન પ્રોજેક્ટ માટે અને ખાસ કરીને તેના સર્ચ એન્જિનને ધપાવતું રાખવા માટે ધરખમ રીતે આખી દુનિયામાં તેમ જ વિશાળ જગ્યામાં સેટ કરવામાં આવ્યાં છે ડેટા સેન્ટર્સ અને તેના કારણે જ ગૂગલ જીવતું રહે છે સદંતર અને ફાસ્ટ.
ડેટા સેન્ટર એ એક કમ્પ્યુટર સર્વર્સના કાફલાની જગ્યા છે જ્યાં સેંકડો સર્વર વિશાળ પ્રમાણમાં સેટ કરાયેલાં હોય છે. જેમાં ગૂગલનો દરેક ડેટા સેવ તેમ જ ટ્રાન્સફર થતો હોય છે. ગૂગલની વેબસાઈટ પર આવતી અવિરત વિઝિટ્સને યોગ્ય રીતે લોડ બેલેન્સ કરીને વિના અટકે ધગધગતું રાખવાની જવાબદારી આ સર્વર્સના શિરે હોય છે. બસ, તો આજે વાત માંડીએ ગૂગલને લોકો સુધી પહોંચાડનાર તેમ જ તેનામાં જીવ રેડનાર ડેટા સેન્ટર્સની.
ડેટા સેન્ટર એટલે શું?
સીધી સરળ ભાષામાં વાત કરીએ તો ડેટા સેન્ટર એટલે કમ્પ્યુટર સર્વર્સનો અડ્ડો. જ્યાં સેંકડો કમ્પ્યુટર નહીં પરંતુ સર્વર્સને એક જ જગ્યાએ મૂકવામાં આવે છે તેમ જ તેને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. હજ્જારોની સંખ્યામાં કમ્પ્યુટર ૨૪ x ૭ ચાલુ રાખવા માટે અવિરત વીજળીની જરૃરિયાત રહે છે. ડેટા સેન્ટર્સમાં દરેક સર્વર એકબીજાથી જોડાયેલાં હોય છે તેમ જ પોતાની મુજબ ડેટાનો સ્ટોરેજ કરી રાખે છે તેમ જ માહિતીનું વિતરણ કરવામાં સરળતા અને ઝડપનો ખ્યાલ રાખે છે. વિશાળ કૂલિંગ ટાવર્સ પણ ઊભાં કરવામાં આવે છે. ડેટા સેન્ટરમાં ડેટાની સુરક્ષાને લઈને કોઈ પણ વિનાશકારી ઘટનાથી બચવા માટેનું વાતાવરણ પણ ઊભું કરવામાં આવે છે.
ગૂગલનું ડેટા સેન્ટર સખત રીતે ગોપનીય હોય છે, કારણ કે?
ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે ગૂગલનાં ડેટા સેન્ટર હોય છે અને હોય છે તો ક્યાં આવેલાં છે? ગૂગલ માને છે કે તેના ડેટા સેન્ટરનું ઓપરેશન તેમ જ સેટઅપ અન્ય સ્પર્ધકો માટે ફાયદાકારક બની શકે છે. હા, કારણ કે વેબસાઈટની સ્પીડ તેમ જ ડેટા ડિલિવરી તમારા સર્વરના સેટઅપ તેમ જ ઓપરેશન ઉપર જ નિર્ધારિત રહેલી છે. કંપની માને છે કે સર્વરનો વીજ વપરાશ અને તેના કદની જાણકારી સ્પર્ધકો માટે ફાયદાકારક નીવડી શકે છે. ગુપ્તતા જાળવવા ગૂગલ તેના ડેટા સેન્ટર્સના પ્રોજેક્ટ માટે ખાસ કરીને Limited Liability Corporations (LLCs) પરમિશન લેતાં હોય છે જે ગૂગલના નામનો ઉલ્લેખ ન કરી Lapis LLC (ઉત્તર કેરોલિના) અથવા Tetra LLC (લોવા) તરીકે જાણીતું હોય છે.
કેટલાં સર્વર્સથી ચાલે છે ગૂગલની ગાડી?
આમ તો કોઈ ચોક્કસપણે નથી જાણતું કે ગૂગલ કેટલાં સર્વર્સ ધરાવે છે. પરંતુ તેમ છતાં અમુક જાણકારી મુજબ પૂરા વિશ્વમાં ૧૫થી વધુ જેટલાં વિશાળ ડેટા સેન્ટર્સ ઊભાં કરી ૧૦,૦૦,૦૦૦થી પણ વધુ સર્વરની ફોજ ગૂગલે સંપૂર્ણ વિશ્વમાં ફેલાવી દીધી છે. જેમાં સમગ્ર શહેરો મુજબ સર્વર્સનો ફેલાવો કરવામાં આવેલો છે. જેમાં સૌથી વધુ કાર્યરત ડેટા સેન્ટર અમેરિકાના ધ ડલાસ શહેરમાં કોલમ્બિયા નદી કિનારે આવેલું ‘પ્રોજેક્ટ ૦૨’ છે.
ક્યાં વસેલાં છે ગૂગલ સર્વર્સનાં ગામ?
અમેરિકામાં ૧૨ ભવ્ય વિશાળ ડેટા સેન્ટર્સ આવેલાં છે અને અન્ય યુરોપ, નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમ જેવા દેશોમાં છે. અમેરિકામાં ધ ડલાસ, એટલાન્ટા, ર્વિજનિયા, લિનયોર, નોર્થ કેરોલિના, સાઉથ કેરોલિના તેમ જ ર્જ્યોજિયા જેવાં શહેરોમાં સૌથી મોટાં ડેટા સેન્ટર્સ આવેલાં છે. જ્યારે અન્ય શહેરોની વાત કરીએ તો પેરિસ, લંડન, હોંગકોંગ, બેઈજિંગ, ટોકિયો, મોસ્કો, ઝ્યુરિચ (સ્વિત્ઝરલેન્ડ), ફ્રેન્કફર્ટ (જર્મની), ર્બિલન (જર્મની) જેવાં શહેરોમાં પણ સર્વર્સનો અડ્ડો જમાવેલો છે.
કેટલાં વિશાળ હોય છે ડેટા સેન્ટર્સ?
જો કે ગૂગલ તેના ડેટા સેન્ટરની વિશાળતા ક્યારેય જાહેર નથી કરતું. તેમ છતાં મળેલ માહિતી અનુસાર ડલાઝસ્થિત ડેટા સેન્ટર ૬૮,૬૮૦ ચો.ફૂટની એવાં ત્રણ બિલ્ડિંગ્સ ખડેપગ ઊભાં છે. જેમાં ૨૦,૦૦૦ ચો.ફૂટ એડમિનિસ્ટ્રેશન, ૧૬,૦૦૦ ચો.ફૂટ કર્મચારીઓનાં કામકાજ માટે તેમ જ ૧૮,૦૦૦ ચો.ફૂટ કૂલિંગ ટાવર્સ માટે ફાળવાયેલી છે. જ્યારે લિનયોર અને નોર્થ કેરોલિનામાં આવેલા શહેરમાં અનુક્રમે ૧,૩૯,૭૯૭ અને ૩,૩૭,૦૦૮ ચો.ફૂટનો વિસ્તાર ધરાવે છે. જે ગૂગલને અંદાજે ૬૭ કરોડમાં પડયું છે એમ કહેવાય છે.
ડેટા સેન્ટર્સ પાછળ કેટલો ખર્ચ?
વર્ષ ૨૦૦૭માં ગૂગલના ડેટા સેન્ટરને લગતાં દરેક પ્રોજેક્ટ માટે અંદાજે રૃ.૨૭ અબજનો માતબર ખર્ચ થાય છે. જેમાં બે બિલ્ડિંગના બાંધકામ, ઓપરેશન કોસ્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ, કમ્પ્યુટર્સ વગેરેનો સમાવેશ થાય છે. ગૂગલના અનુસાર વર્ષ ૨૦૦૬માં ડેટા સેન્ટર પાછળનો ખર્ચ રૃ.૯૦ અબજ જેટલો થયો હતો જ્યારે વર્ષ ૨૦૦૭માં રૃ.૯૮ અબજનો ખર્ચ ગૂગલે ભોગવ્યો હતો.
Source : Sandesh 22/09/2010
-