Monday, May 25, 2009

ઠંડાપીણાંથી ‘કેન્સર’નો ખતરો

Ketan Dave, Ahmedabad

આગ ઝરતી ગરમીમાં કુલ થવાનો ફન્ડા ઠંડાપીણાં પીવાનો જ છે. કમનસીબે કયા ઠંડાપીણાં પીવાથી બળબળતી ગરમીમાં શરીરને ટાઢક મળે તેની ભેદરેખા ભૂંસાઈ જવા પામી છે. એક સમયે વરિયાળીનું શરબત, લસ્સી, છાશ, લીંબુ પાણી વગેરેનો મહિમા હતો.

વિવિધ ફ્રૂટ જયૂસ અને ફ્રૂટ ડીશ હજુ પણ એક વર્ગમાં ફેવરિટ છે. પણ ખાસ કરીને યુવાવર્ગ દેખાદેખીમાં અને અંજાઈને કેટલાક એવા ઠંડાપીણાં પીવે છે જે વાસ્તવમાં ગરમી સામે રક્ષણ આપી શકતા નથી. ઊલટાનું લાંબાગાળે શરીરને હાનિ પહોંચાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી દરેક બાબતોમાં પિશ્ચમનું આંધળું અનુકરણ કરતા દેશના યુવાનોને ઠંડાપીણાંનું વળગણ એટલી હદે વળગી ગયું છે કે હવે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. નિયમિત ઠંડાપીણાંના સેવનથી કેન્સર જેવી બીમારીઓ પણ થવાની શકયતા હોવાનું શહેરના તબીબો જણાવી રહ્યા છે, માત્ર દેખાદેખી ખાતર જ પીવાતા આ ઠંડાપીણાંથી શારીરિકની સાથે સાથે ઘણી માનસિક આડઅસરો પણ થઇ શકતી હોવાથી તબીબો શહેરના યુવાધનને હવે ઠંડાપીણાંથી દૂર રહેવા જણાવી રહ્યા છે.

ફિઝિશિયન ડો. અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું. કે ઠંડાપીણાં પીવાથી શરીરને કોઇ જ વિટામિન, કેલ્શિયમ કે પ્રોટીન મળતાં નથી, પરંતુ તેમાં રહેલા સ્યુગર તથા કેફીન જેવાં તત્ત્વોને કારણે શરીરને અતિશય નુકસાન થાય છે. જો નિયમિત રીતે ઠંડાપીણાં પીવામાં આવે તો તેમાં રહેલા આ જોખમી તત્ત્વોને લીધે શરીરમાંથી કેલ્શિયમ વિટામિન તથા પ્રોટીન ઘટે છે. એટલું જ નહીં ઠંડાપીણાંના અતિશય સેવનને લીધે પેશાબની કોથળીનું કેન્સર થવાની પણ શકયતા હોવાનું ડો.અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું.

જયારે શહેરના અગ્રણી ડોકટરના જણાવ્યા અનુસાર ઠંડાપીણાંની કંપીઓનું હાલમાં ટાર્ગેટ માત્ર યુવા વર્ગ જ છે. અને યુવા વર્ગને પણ હવે સ્ટેટસ સિમ્બોલ તરીકે માત્ર ફાસ્ટ ફૂડ તથા ઠંડાપીણાં જ દેખાતાં હોય શહેરના યુવાનો વધારે પ્રમાણમાં ઠંડાપીણાંનું સેવન કરી રહ્યા છે. જેને કારણે તેમાં રહેલાં તત્ત્વોથી ઘણી વખત પેટમાં ચાંદા પડવા, આંતરડા તથા પાચનતંત્ર નબળું પડી જવું. તથા તેમાં રહેલા કેટલાક પદાર્થોને લીધે ઠંડાપીણાંનું એક પ્રકારનું વ્યસન થઇ જાય છે જે પણ ખૂબ જ જોખમી છે.

આ ઉપરાંત ઠંડાપીણાંથી માણસોનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે માટે હવે બને ત્યાં સુધી યુવાનોએ ઠંડાપીણાંથી દૂર રહેવું જોઇએ મનોચિકિત્સક હેમાંગ દેસાઇના મતે આ પીણાંના સેવનથી તેમાં રહેલા કેફીન જેવાં તત્ત્વોને લીધે મગજની ઉત્તેજના વધી જાય છે. જેનાથી જે તે વ્યકિતની માનસિકતા સ્થીર રહેતી નથી અને સ્વભાવ પણ ચીડિયો થઇ જવાની શકયતા રહે છે. તેવા વિદેશોમાં સંશોધનો થયાં હોવાનું ડો. દેસાઇએ જણાવ્યું હતું.

તો બીજી તરફ ઓનેસ્ટ રેસ્ટોરંટના સંચાલક વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કયારેય કોઇને ઠંડાપીણાં પીવાની ઇરછા થતી નથી, પરંતુ યુવાવર્ગ ફિલ્મસ્ટાર્સ, ખેલાડીઓ તથા અન્ય સેલિબ્રિટીને જે તે ઠંડાપીણાંની જાહેરાતમાં ઠંડાપીણાં પીતા જોઇ તેમનું અનુકરણ કરવા દેખા દેખીમાં તેઓ ઠંડાપીણાં પીતા હોય છે. જેનાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર નુકસાન જ થાય છે.

ઘણી વખત આ ઠંડાપીણાંની બોટલોમાંથી ગુટખા કે અન્ય કચરા ઉપરાંત મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યાં હોવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં યુવાવર્ગ ઠંડાપીણાંના વળગણમાંથી મુકત થતો નથી તે ચિંતાનો વિષય હોવાનું કન્ઝ્યુમર એજયુકેશન રિસર્ચ સેન્ટરના સંચાલક પ્રીતિબહેન શાહે જણાવ્યું હતું.

પ્રીતિબહેને જણાવ્યું હતું કે દુનિયાભરમાં આ ઠંડાપીણાંમાં રહેલાં અમુક તત્ત્વોથી શરીરને ખૂબ જ નુકસાન થતું હોવાના સંશોધનો થયાં હોવાં છતાં સેલિબ્રિટી તથા પિશ્ચમી દેશોનું આંધળું અનુકરણ કરી રહેલા દેશના યુવાનો ઠંડાપીણાંનું સેવન કરી પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે.

ગુજરાતિ માં એક ટપાલ

તારીખ : આજની જ.

પ્રતિ
તમોને જ

વિષય: જિંદગી અને તમે!

ભાઈશ્રી/બહેનશ્રી,

હું, ભગવાન – આજે તમને બે શબ્દો લખવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું. એટલું યાદ રાખજો મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. 9ું તમારી પાસે સીધો આવવાનો પણ નથી. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે.


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસBટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં!

[૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.

[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફ20સોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.

[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને Aાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.

[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !

[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

અને છેલ્લે…
હું તમારE0 પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો અને એમનો દિવસ પણ સુધારજો અને એ લોકો પણ નિશ્ચિંત થઈ જાય તેવું કરજો.

એ જ લિ,

ભગવાનની આશિષ.

Monday, May 11, 2009

નિ:સ્વાર્થ પ્રેમની પરિભાષા

N. Raghuraman





girl-bald.jpgવંદના દહીં-ભાત ખાવાની ના પાડી રહી હતી. પિતાએ તેને સમજાવવાની કોશિશ કરી, બેટા, દહીં-ભાત ખાઈ લે. તારા પપ્પા માટે એટલું પણ નહિ કરે? આ સાંભળીને તેણે કહ્યું, પપ્પા, હું બધા દહીં-ભાત ખાઈ લઉ તો તમે હું જે માગું તે આપશો? પપ્પા બોલ્યા, પ્રોમિસ. તેણે પરાણે પરાણે દહીં-ભાત ખાઈ લીધાં. તેણે હાથ ધોઈને કહ્યું, પપ્પા, હું આ રવિવારે માથે મુંડન કરાવવા માગું છું. આ સાંભળતાં જ તેની મમ્મી બરાડી ઊઠી, શું બકે છે! છોકરી થઈને માથું મુંડાવવા માગે છે? હું એવું નહીં થવા દઉ. વંદુ આજકાલ બહુ ટીવી જોવા લાગી છે.

આ ટીવીએ તો આપણી સંસ્કૃતિને બરબાદ કરી નાખી છે. પપ્પાએ પણ ઢીલા સ્વરે કહ્યું, બેટી, તું બીજું કંઈ કેમ નથી માગી લેતી? તારું વાળ વિનાનું માથું જોઈને અમને કેટલું દુ:ખ થશે. તું અમારી લાગણી કેમ નથી સમજતી? વંદુ બોલી, પપ્પા તમે જોયું હતું ને કે દહીં-ભાત ખાવા મારા માટે કેટલું મુશ્કેલ હતું, છતાં મેં ખાધા અને તમે પ્રોમિસ કરેલું. હવે તમે જ વચન આપીને ફરી જાવ છો? તમે જ રામની વાર્તા કહીને અમને કહેલું કે આપેલું વચન પાળવું જોઈએ. પપ્પાએ હથિયાર હેઠાં મૂકી દીધાં, કહ્યું, હું આપેલું વચન નિભાવીશ.

રવિવારે વંદુએ મુંડન કરાવ્યું. સોમવારે તેના પપ્પા તેને શાળાએ છોડવા ગયા ત્યારે તેમની બાજુમાં એક કાર આવીને અટકી. તેમાંથી ઊતરતા છોકરાએ બૂમ પાડી, વંદુ મારા માટે ઊભી રહે! એ છોકરાને માથે એકેય વાળ નહોતો. આ જોઈને વંદનાના પપ્પા સ્તબ્ધ રહી ગયા. એટલામાં કારમાંથી ઊતરતી મહિલા ભીની આંખે બોલી, ભાઈ, તમારી દીકરી વંદના બહુ મહાન છે.

મારા દીકરા હરીશને બ્લડ કેન્સર હોવાથી તેના બધા વાળ ખરી ગયા છે. બધા તેને ખિજાવતા હોવાથી તેણે સ્કૂલે આવવાનું બંધ કરી દીધેલું ત્યારે તમારી દીકરીએ તેને વચન આપેલું કે શાળામાં કોઈ તેને ચીડવે નહિ તેનો રસ્તો કાઢીશું.

ત્યારે મને કલ્પના પણ નહોતી કે તે તેના આટલા સુંદર વાળની કુરબાની આપી દેશે. આ સાંભળીને વંદનાના પપ્પાની આંખો પણ રડી પડી. તેમના હોઠ ફફડ્યા, મારી નાનકડી પરી! તે મને આજે શીખવાડયું છે કે સાચો અને નિ:સ્વાર્થ પ્રેમ શું હોય છે.





ફંડા એ છે કે પોતાની શરતો પર જ જીવનાર લોકો સૌથી વધુ ખુશ નથી, બલકે સૌથી વધુ સુખી તો એ છે જેઓ પ્રેમ ખાતર પોતાની શરતો બદલી નાખે છે.

Saturday, May 2, 2009

મન : મુક્તિ અને બંધનનું કારણ

મન મૂર્ત, અમૂર્ત તમામ પદાર્થોના સંબંધમાં ચિંતન કરવાની ક્ષમતા ધરાવે છે. મનની આ ચંચળતા મનુષ્ય માત્ર માટે એક મોટી સમસ્યા છે કારણ કે ચંચળતાને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી. મનની આ ચંચળતા સફળતામાં બાધક છે કારણ કે આવી સ્થિતિમાં મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. મન એકાગ્ર થઈ જાય તો સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જાય છે.

જીવનમાં જે બને છે તે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મનનું જ કારણ હોય છે. મનમાં ઉત્પન્ન થનાર સંકલ્પ - વિકલ્પ અને વિચાર- તરંગોને જો શાંત કરી દેવામાં આવે તો અંતરમન પર તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થતાં વમળો શાંત થઈ જાય છે તેમ તળાવનું તળિયું સ્પષ્ટ દેખાય છે. મન એ એક સમસ્યા છે. મનમાં ઉત્પન્ન થનારા વિચારો ચારે બાજુ વાદળો ઉત્પન્ન કરે છે. જેમાં એક ધૂંધળું વાતાવરણ બને છે અને સ્પષ્ટતા તેમાં ક્યાય ખોવાઈ જાય છે. જ્યારે ચારે બાજુ વાદળ હોતાં નથી ત્યારે આપણે સૌ સહજ અસ્તિત્વમાં હોઈએ છીએ અને બધું સ્પષ્ટ જણાઈ આવે છે.

આવી સ્થિતિમાં મનની ચંચળતા પર કેવી રીતે નિયંત્રણ અને એકાગ્રતા લાવી શકાય ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવતાં પહેલાં જાણી લઈએ કે આખરે મન એ શું છે ? ભારતીય દર્શનમાં મનને ખૂબ જ સ્થૂળ કહ્યું છે જ્યારે જૈનદર્શનમાં તેને પુદ્ગલ (સૂક્ષ્મ- જડ તત્ત્વ)થી બનેલું છે તેમ કહેવામાં આવ્યું છે. તે સ્થૂળ હોવા છતાં મનમાં ચંચળતા કેમ ઉત્પન્ન થઈ ? જૈનદર્શન આ પ્રશ્નનો ઉત્તર ચિત્તના માધ્યમથી આપે છે. જૈનદર્શન અનુસાર મન અચેતન છે અને ચિત્ત એ ચેતનયુક્ત છે. ચિત્ત આપણી અંદરની સમગ્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. મન પણ ચિત્તનો સ્પર્શ પામી ચેતન થઈ જાય છે.

વેદાન્ત ગ્રંથોમાં અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું વર્ણન છે. ચિત્ત ચેતન છે. આ પ્રથમ અનુભૂતિ છે. ચેતના બાદ બીજી અનુભૂતિ છે. અહંકાર અર્થાત્ ‘હું’ના અસ્તિત્વનું ભાન, મન ત્રીજું ચરણ છે. જેનું કાર્ય ચિંતન કરવાનું છે, સંકલ્પ - વિકલ્પ કરવાનું છે. બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયનું ચોથું ચરણ છે. જેનું કાર્ય મનમાં ઊભા થતા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવી. આ રીતે પતંજલિ યોગમાં પણ ચિત્તને જ ચેતનશક્તિ કહેવામાં આવી છે. આમ સૌથી પહેલાં ચિત્તને શાંત કરવું અનિવાર્ય હોય છે. બુદ્ધ પણ કહે છે કે મન જ એક એવું માધ્યમ છે જેના થકી મનુષ્ય પ્રકાશને પ્રાપ્ત થાય છે.

મન એ મનુષ્યમાં ઈચ્છાશક્તિનું બળ છે. આ પ્રકારનો આદર્શ રાખવાથી ઈચ્છાશક્તિને ક્રિયાશીલ બનાવી શકાય છે. આ ઈચ્છાશક્તિના માધ્યમથી મનને જે દિશામાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય. મન જ આપણને જીવનરૃપી કારાગારમાં કેદી બનાવે છે અને મન જ તે કેદમાંથી મુક્ત કરાવે છે. આપણું જીવન સમ્યક દૃષ્ટિવાળું હોય તો તે ખરા અર્થમાં સફળ બને છે.

ચેતન વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત છે. તેની નિર્મળ ધારા આગળ આવે છે. રાગદ્વેષ રહિત થઈ જાય છે. ચેતનાની સાથે જે મલિનતા ભળે છે તેનાથી આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે મન-સાધનામાં જૈનદર્શન બુદ્ધદર્શનથી નજીક છે પરંતુ મનની સ્વચ્છતા માટે તે ચિત્તને આધાર બનાવે છે. મર્હિષ પતંજલિ જણાવે છે કે ચિત્તવૃત્તિઓને રોકવી અને મનને અંતર્મુખી બનાવવું તે જ યોગ છે. યોગનો અર્થ થાય છે ‘સ્વ’થી યોગ.

જ્યારે મનુષ્યને સ્વના અસ્તિત્વનું ભાન થઈ જાય છે ત્યારે મન સમાપ્ત થઈ જાય છે. આ રીતે મન - સાધના માટે પતંજલિ પણ ચિત્તસાધનાના માર્ગ ને જ બતાવે છે પરંતુ પતંજલિ ચિત્તને જ સ્થૂળ સ્વરૃપમાં સ્વીકાર કરે છે.

ચિત્ત સ્વભાવથી જડ છે પરંતુ આત્માના સંપર્કમાં રહેવાથી તે પ્રકાશિત થઈ જાય છે. આ રીતે પતંજલિ દર્શનમાં ચિત્ત અને મનની વચ્ચે કોઈ વિશેષ ભેદ નથી. ચિત્તની સાધના માટે અષ્ટાંગ માર્ગ બતાવવામાં આવેલો છે. જેમાં શારીરિક અને માનસિક શુદ્ધિ ઉપરાંત ચિત્તની એકાગ્રતાનું ચરણ આવે છે. જેને ‘ધારણા’ કહેવામાં આવે છે. ધારણાનો અર્થ છે ચિત્તનું કોઈ પણ વિષય પર એકાગ્ર થવું. આ સ્થિતિમાં ચિત્તના બધા જ સંકલ્પ - વિકલ્પ સમાપ્ત થઈ જાય છે.

પતંજલિ યોગસૂત્રની જેમ જૈનદર્શન પણ મનની એકાગ્રતાને સ્વીકારે છે. તેના અનુસાર એ બે મનની ભૂમિકાઓ છે. મનના ભટકી જવા પર નિયંત્રણ લાવીને તેની સાથે સંબંધ સ્થાપવો જરૃરી બને છે. આ ધારણાની સ્થિતિ છે.

જ્યારે આપણું મન ધ્યાનમાં નથી રહેતું ત્યારે તણાવગ્રસ્ત રહે છે. તણાવના સમયે મન એક વિચારથી બીજા વિચારમાં જલદીથી ખેંચાઈ જતું હોય છે. અશાંતિથી થાકીને તે સાવ તૂટી જાય છે. ધ્યાનથી ચંચળતા દૂર થાય છે. જ્યારે આપણે એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે મનમાં અનેક વિચાર ઊઠે છે અને ચંચળતાથી છુટકારો મળે છે. જો આપણે મનની ગતિને સમજીએ તો પણ શાંતિ મળે છે. આપણે વિચારોને ઓળખવા, પરંતુ તેની સામે પ્રતિક્રિયા ન આપવી. આ પણ એક ધ્યાનનો લાભ છે.

જો આપણે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીએ અને મનમાં ઊઠતા વિચારોના સાક્ષી બની રહીએ તો ધીરે ધીરે ખોટા વિચાર આવતા જ બંધ થઈ જશે. આપણા માનસિક તણાવ અને દબાણ ઘટતા જશે. પ્રત્યેક વ્યક્તિ આ રીતે એકાંતમાં બેસીને થોડો સમય એકાગ્રતા કેળવવા અંતરાત્મામાં ડૂબી જાય તો તેનામાં નકારાત્મક વિચારો આવતા બંધ થશે અને એક પ્રકારે સાકારાત્મક ઊર્જા શરીરમાં ઉત્પન્ન થવા લાગશે. ધ્યાનનું એક મહત્ત્વનું પરિણામ એ પણ છે કે અંતરાત્માના ઉંડાણમાં જતા સ્કૂરિત થતી શાંત અવસ્થાનો આભાસ આપણને થવા લાગે છે.

આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, બીજું કે લોકો સતત પોતાની નોકરી અને વ્યવસાયમાંથી સમય કાઢી શકતા ન હોવાથી સતત માનસિક તણાવમાં જ રહેતા હોય છે. સતત ભાગદોડવાળી જિંદગીમાં ફુરસદનો સમય મેળવવો એ પણ તેમના માટે અઘરો બની ગયો છે ત્યારે તણાવમાંથી મુક્ત થવા એકાગ્રતા કેળવવી એ ખૂબ જ જરૃરી બની રહે છે.

જેઓ નિયમિત રીતે ધ્યાન કેળવતા રહે છે તેઓને અવશ્ય શાંતિ મળે છે. શાંત મન એ કોઈ પણ જાતનું કાર્ય પૂરું કરવા માટે સક્ષમ હોય છે. આમ શાંત મગજ ધરાવનારને કાર્યમાં જલદીથી સફળતા મળે છે. જ્યારે અધીરા અને ચંચળ, અસ્થિર મનવાળી વ્યક્તિઓને સફળતા મેળવવી ખૂબ જ અઘરી બની રહે છે. આમ આ ભાગદોડમાં ધ્યાન ધારણા એ શાંતિપદ વિરામ છે. ક્યારેક આપણે અમુક પરિસ્થિતિઓમાં માનસિક સમતુલા ગુમાવી દઈએ છીએ ત્યારે ચિત્તની એકાગ્રતા આપણા મનને શાંત પાડે છે.