Wednesday, February 18, 2009

ગમ્યું તે લખ્યું

જ્યાં સુકાવા નાખી એણે ઓઢણી,


લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.


રચયિતાઃ- અદમ ટંકારવી


મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઇ ગઇ,


આંગળી જળમાંથી કાઢી ને જગ્યા પુરાઇ ગઇ.


રચયિતાઃ- સૈફ પાલનપુરી

Monday, February 9, 2009

સુરતી લોચો

સુરતી લોચો બનાવવાની રીત દેશગુજરાતને એટલા બધા વાંચકોએ પૂછી છે કે અમે તેની રીત ઝડપથી અહીં રજૂ ન કરીએ તો અમારો જ લોચો થઈ જાય. એટલાન્ટા(અમેરિકા)થી નેહાબહેને, દિલ્હીથી નલીનીબેન પરીખે, મુંબઈથી દેવયાનીબહેને, કનેક્ટીકટ(અમેરિકા)થી ભાવિનીબહેન મિસ્ત્રીએ, મુંબઈથી બકુલેશભાઈ મહેતાએ, અમદાવાદથી અપૂર્વા શાહે, પ્રિતેન પટેલે, અને સુરતથી સેજલબહેને લોચાની રીત દેશગુજરાતને પૂછી છે.લોચો એ ગુજરાતની સૌથી સ્વાદિષ્ટ ચટપટી ખાવાની ચીજો પૈકીની એક ચીજ છે. લોચો બનાવવાની બેઝીક રીત તો એક સરખી જ છે પરંતુ હોંશિયાર ગૃહિણી તેના પર કેટલું શું ભભરાવે છે અને ચાખીને સ્વાદ નક્કી કરીને પીરસે છે તેના પર છેવટની પ્રોડક્ટ નિર્ભર રહે છે.અહીં ખાસ અપીલ કરવાની કે દેશગુજરાતના ખાસ તો સુરતી વાંચકો આ રીતમાં કશુંક ઉમેરી શકે કે સજેશન કરી શકે તો કોમેન્ટ સેક્શન હાજર છે.

સામગ્રી: ચણાની દાળ: ૧ વાડકી, ચણાનો લોટ: ૧ ચમચી, ક્રશ કરેલું લીલું મરચું: ૧ ચમચી, મીઠું: સ્વાદ અનુસાર, હળદર: ચપટી, પાણી: જરૂર મુજબ, ખાવાનો સોડા બાયકાર્બ અથવા ફ્રૂટ સોલ્ટ: પા ચમચી, ખમણનો ટુકડો: એક, સંચળ:જરૂર મુજબ, શેકેલા જીરુંનો પાવડર:જરૂર મુજબ, મરી: સ્વાદ અનુસાર, ડુંગળી: ઝીણી સમારેલી એક, ઝીણી સેવ જરૂર મુજબ, બેથી ત્રણ ચમચા માખણ, ચટણી માટે કોથમીર, પાલક.

રીત: સૌપ્રથમ એક વાડકી ચણાની દાળ ચાર કલાક પલાળો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, મીઠું નાખી વાટો. તેમાં થોડોક સોડા બાય કાર્બ અને હળદર નાખીને અર્ધો કલાક રહેવા દો. હવે આ ખીરુંને ગોટા/ભજીયાના લોટ જેવું ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર નાખો. હવે ઢોકળાના કૂકરમાં પાણી નાખી, કૂકરની ડીશ પર તેલ ચોપડો તથા તે ગરમ થાય એટલે આ મિશ્રણ તેમાં નાખી દો. હવે દસેક મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જો ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો અન્યથા ગરમ ગરમ પીરસવા માટે ડીશમાં લઈ લો. આ થયો લોચો તૈયાર. હવે તેના પર બેથી ત્રણ ચમચા પ્રવાહી માખણ રેડો તેના પર ઝીણી સેવ અને સમારેલી ડુંગળી નાખો. હવે એક વાડકીમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે તેના પર ભભરાવો.

એક ખમણના ટુકડાનો ભૂકો, લીલું મરચું, પાલક, કોથમીર ખાંડ અને મીઠું આટલી ચીજો મીક્ષરમાં નાખીને ક્રશ કરીને ચટણી બનાવો. તેને લોચા સાથે પીરસો.

Taken by deshgujarat.com

‘આસીમ’ હવે એ વાત ગઈ, રંગ પણ ગયો, તાપી તટે થતો જે હતો તે સંગ પણ ગયો

સવારે સુબેદાર સ્ટ્રીટથી નીકળેલી અંતિમ યાત્રા ગોરેગરિમા કબ્રસ્તાન પહોંચી : એક દિવસે રાંદેરથી બે દિવ્ય જયોતની અંતિમ યાત્રા નીકળી હતી

Asim Randeri ગુજરાતમાં ગુજરાતી મુશાયરાના સ્થાપકો પૈકી એક પ્રસદ્ધિ સાહિત્યકાર આસીમ રાંદેરીની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી ત્યારે શહેરભરના સાહિત્યકારો તેમના અંતિમ દર્શન માટે ઊમટી પડયા હતા. સુરતે તેના કવિરત્નોમાંના એક આસીમને ગુમાવ્યાની લાગણી બધાના ચહેરા પર સ્પષ્ટ પણે જોઈ શકાતી હતી.

મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરીનું ગુરુવારે મોડી સાંજે ૧૦૪ વર્ષની જૈફ વયે તેમના નિવાસસ્થાન સુબેદાર સ્ટ્રીટ ખાતે નિધન થયું હતું. તેમના નિધનથી માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાતના સાહિત્યજગતમાં શોક છવાઈ ગયો હતો.

તા. ૧૫-૮-૧૯૦૪ના રોજ જન્મેલા આસીમ રાંદેરીએ તેમની યાદ રૂપે ગઝલસંગ્રહો ‘લીલા’ અને ‘તાપી તીરે’ આપ્યા છે. બે વર્ષ પૂર્વે પ્રતિષ્ડિત વલી ગુજરાતી એવોર્ડ વિજેતા આસીમ રાંદેરીની અંતિમયાત્રા શુક્રવારે સવારે ૧૧.૦૦ વાગ્યે રાંદેરના સુબેદાર સ્ટ્રીટથી નીકળી રાંદેરના ગોરેગરિમા કબ્રસ્તાન સુધી પહોંચી હતી. રાંદેરીના અંતિમ દર્શન કરવા માટે શહેરના સાહિત્યકારો ઉપરાંત શહેરની જાણીતી હસ્તીઓ ઊમટી પડી હતી જેમાં ભગવતી કુમાર શર્મા, જનક નાયક, નાનુભાઈ નાયક અને બકુલેશભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

રાંદેરના સમાજસેવક બોટાવાલાનું નિધન

એચઆઇએમએસ બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું શુક્રવારે સવારે નિધન થયું હતું. ૭૭ વર્ષની ઉંમર ધરાવતા સુલેમાન બોટાવાલા છેલ્લા કેટલાક દિવસોથી હૃદયની બીમારીથી પિડાતા હતા. મોરાભાગળસ્થિત બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટે શહેરીજનોને સવલતો મળી રહે તે માટે અસંખ્ય પ્રયત્નો કર્યા છે. જરૂરિયાતમંદોને સહાય કરવાના હેતુસર બોટાવાલા ટ્રસ્ટની સ્થાપના ૧૯૩૨માં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ દ્વારા રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તેમજ આજથી ચાલીસ વર્ષ પહેલા જયારે રસ્તાઓ અંધકારમય હતા ત્યારે ટ્રસ્ટ દ્વારા રસ્તાઓ પર લાઇટ પણ મૂકવામાં આવી હતી.

સુરતે છેલ્લા ૧૦ દિવસમાં ત્રણ પ્રતિભા ગુમાવી

સુરત માટે ગર્વસમાન ગણાતી ત્રણ હસ્તીઓ જેવી કે હવામાન આગાહીકાર નટુભાઇ નાતાલી, ગુજરાતી મુશાયરાના સ્થાપક સાહિત્યકાર મહમુદમિયાં મહમ્મદ ઇમામ સુબેદાર એટલે આસીમ રાંદેરી બાદ શુક્રવારે સુરતના મોભી સમાન સુલેમાન બોટાવાલાના નિધનથી સંસ્કારજગતને આંચકો લાગ્યો છે. સાહિત્યકાર આસીમ રાંદેરીનું ગુરુવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. બહાર આવે તે પહેલાં બોટાવાલા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજીવાલા સુલેમાન અહેમદ બોટાવાલાનું ૭૭ વર્ષની વયે હૃદયની બીમારીથી અવસાન થયું છે.

Monday, February 2, 2009

સુરતને ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે

ઔધોગિક નગરી સુરતની ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકેની ઓળખ વિકસાવવામાં આવશે. શહેરના ઔધોગિક સંગઠનો તથા હોટલ રેસ્ટોરન્ટ એસોસિયેશન દ્વારા શહેરના ફરવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્મારકો તથા વાનગીની ખાસિયતોનો પ્રચાર કરી સુરતને રાષ્ટ્રીય ફલક પર ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે રજૂ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશને ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ દ્વિ-દિવસીય હોસ્પિટાલિટી અને ટુરિઝમ મીટ યોજી દેશભરમાંથી ૫૦ યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

ચેમ્બર ઓફ કોમર્સની ટુરિઝમ કમિટીના ગ્રુપ ચેરમેન પરેશ પટેલના જણાવ્યા મુજબ ઔધોગિક નગરી સુરત એક પ્રવાસન સ્થળ પણ છે. સુરતમાં અંગ્રેજોની કોઠી (કિલ્લો), મુઘલસરાઈ, ડચ સિમેટ્રી, ઇસ્લામિક મોન્યુમેન્ટ્સ સહિતના અનેક સ્થળો છે.

ઉપરાંત વિશ્વ વિખ્યાત જેમ-જવેલરી ઇન્ડસ્ટ્રી તથા સમગ્ર ભારતમાં સિન્થેટિક ફેબ્રિકસ પૂરું પાડતી ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી લોકોનું આકર્ષણ બની શકે છે. જયારે સુરતનું જમણ વિશ્વવિખ્યાત છે. આ તમામ બાબતો ટેકસટાઇલ, ડાયમંડ, ફૂડ (વાનગી) અને કલ્ચર (સંસ્કતિ)નો સમન્વય કરી એક ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે સુરતને વિકસાવી શકાય છે.

જે આશયસર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત શહેર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન, રાજય સરકારના ટુરિઝમ વિભાગ તથા અન્ય સંસ્થાઓ દ્વારા સંયુકત રીતે ‘ડિસ્કવર સુરત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

પોંક અને ઊધિયાનો રસાસ્વાદ માણશે

સુરતના મહેમાન બનનારા દેશભરમાંથી આવનારા ૫૦ યુગલોને સુરતી ભોજનનો રસથાળ પીરસવામાં આવશે. જેમ-જવેલરી સંસ્થા, ટેકસટાઇલ માર્કેટ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત બાદ આમંત્રિત મહેમાનોને પોંક તથા સુરતી ઊધિયા સાથેગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે.